







યુવાન એટલે શું ? યુવાનની તો ઘણી પરિભષાઓ છે પણ આપણા ગુજરાતી સાહિત્યકાર ઝવેરચંદ મેઘાણી લખે છે કે...
“ઘટમાં ઘોડા થનગને અને આતમ વિઝે પાંખ,
એ અણદિઠેલ ભોમ પર યૌવન માંડે આંખ”
યુવાન એને કહેવાય જેનામાં ઘોડા જેવી થનગનાટ હોય આકાશમાં ઉડવા માટે આત્મવિશ્વાસની પાંખો હોય અને એવું કાર્ય કરવાનું વિચારે કે જેણે ક્યારે કોઇએ કર્યુ ન હોય, અને કાર્ય પણ કરે એવું કે જેનો જગતમાં જોટો ન હોય. યુવાન તો એ છે કે એને સવારના ઉઠે ત્યારે ખબર હોય છે કે એને સંપૂર્ણ દિવસમાં શું કરવાનું છે અને એ કાર્ય પાછળ એ આખો દિવસ લગાવી નાખે છે પાછો સુતી વખતે આવતી કાલનો કાર્યક્રમ બનાવી લે છે. પણ અફસોસ એ છે કે આજના શિક્ષણ મેળવતા યુવાન પાસે ભવિષ્ય્માં કઇ દિશામાં જવું તેની ચોક્ક્સ જાણકારી નથી હોતી.
આજના જમાનામાં શિક્ષણનું પ્રમાણ બહુ ઉચું આવ્યુ છે. આજનો યુવાન ધારે તો ઘેર બેઠા અભ્યાસ કરી શકે છે. ઈન્ટરનેટ દ્વારા આખી દુનિયાની માહિતી તે પોતાના ઘેર બેઠા મેળવી શકે છે. હવે તો ઘણી બધી યુનિવર્સિટીના અભ્યાસક્રમો ઈન્ટરનેટ દ્વારા પૂર્ણ કરી શકાય છે. એકંદરે કહેવાનો તાત્પર્ય એટલો જ છે કે આજે શિક્ષણ સરળતાથી મેળવી શકાય છે. વ્યાવસાયીક અભ્યાસક્રમો પણ સારી માત્રામાં ઉપલબ્ધ છે છતાં પણ આજના યુવાનોને ક્યાં જવું છે તેની દિશા તેની પાસે નથી. એટલેકે તે દિશા શૂન્ય છે. તેના માટે ખુદ યુવાન જ જવાબદાર છે અને થોડે ઘણે અંશે આપણો સમાજ કે સમાજની પ્રણાલિગત રુઢિઓ તથા આપણી શિક્ષણ પધ્ધતિ પણ તેમાં ભાગ ભજવે છે.
આજના પ્રવર્તમાન સમયમાં શિક્ષણનું મહત્વ વધ્યુ છે તેની સાથે - સાથે શિક્ષણનું સ્તર પણ ઊંચું થતું જાય છે. તેથી આજના સમયમાં ગ્રેજ્યુટ સુધીનો અભ્યાસ તો સામાન્ય થઇ ગયો છે. જેથી ગ્રેજ્યુટ થયા બાદ ત્રણ – ચાર વર્ષ આગળ અભ્યાસ કરવો પડે છે ત્યારે જ કોઇ સારી નોકરી મળી શકે છે પણ ત્યારે યુવાનની ઉમર ૨૪ – ૨૫ વર્ષની થઇ ગઇ હોય છે. તેથી ઘરના વડીલો લગ્ન કરવા માટે યુવાન પાસે આગ્રહ કરતા હોય છે કારણકે તેની સાથે ભુતકાળમાં આભ્યાસ કરતા મિત્રો જે અત્યારે ખેતી કે કોઇ ધંધો કરતા હોય તે યુવાન ૨૧ – ૨૨ વર્ષે પરણી ગયેલા હોય છે માટે તેની સમક્ષ શિક્ષિત યુવાન લગ્ન કરવામાં પાછળ રહી ગયો હોય તેવુ લાગે છે માટે ઘરના વડીલોની યુવાનના લગ્ન કરાવવાની ઝંખના વધતી જાય છે. પરંતુ વડીલોએ પણ ધ્યાન રાખવુ જોઇએ કે અત્યારે યુવાનને પોતાનુ કેરિયર બનાવવાનો મુખ્ય સમયગાળો હોય છે. ત્યારે તેને સંસારની વધારાની જવાબદારીમાં સંડોવી દઇશું તો તે યુવાન પર બેવડી જવાબદારી આવી પડે છે. તેથી તે મુશ્કેલીમાં મુકાઇ જાય છે કારણકે તેની પાસે પોતાની આવક પણ હોતી નથી. તેથી યુવાન માનસિક રીતે એવુ અનુભવી રહ્યો હોય છેકે તે પોતાના પરિવાર કે વડીલ પર હાલના સમયમાં બોજરૂપ છે. જેથી પોતાના કેરિયર બનાવવામાં ચોક્ક્સ દિશા તરફ આગળ વધી શકતો નથી ત્યારે તેની પાસે એક મુખ્ય ધ્યેય બની જાય છે કે ગમે ત્યાંથી રૂપિયા કમાવા પણ અભ્યાસ પૂરો કરતાની સાથે કોઇ સારી નોકરી મળવી મુશ્કેલ છે. તેના માટે રાહ જોવી પડે છે. આવી ગડમથલમાં યુવાન હોય ત્યારે જ તેને સમાજની વ્યક્તિઓ પણ તેને સંભળાવે છે કે તે આટલો બધો અભ્યાસ કર્યો તેમ છતા હજુ તેને કોઇ નોકરી મળી નથી તો આવળો બધો અભ્યાસ કર્યો તેનો તને ફાયદો શું થયો ? જો તારી સાથે અભ્યાસ કરતા હતા જેને વહેલો અભ્યાસ છોડી દિધો હતો તે અત્યારે કેવો ધંધો જમાવી ગયા છે અને કેટલુ બધુ કમાય છે જ્યારે તારી પાસે શું છે ? અથવા તો જો યુવાન ખેતી કે ધંધો કરતો હોય તો તેમ કહેશે કે આટલો બધો અભ્યાસ કર્યો તેમ છતાં તુ અમારી જેમ જ ખેતી કે ધંધો જ કરે છે તો તારામાં અને અમારામાં (ઓછા અભ્યાસવાળા) ફરક શું ? ત્યારે શિક્ષિત યુવાન માનસિક રીતે ભાંગી પડે છે ત્યારે તે યુવાન કોઇ પણ ક્ષેત્રમાં નોકરી કરવા જતો રહે છે. જેથી તે ક્ષેત્રમાં પોતે કરેલ અભ્યાસનો ઉપયોગ લઇ શકતો નથી જેથી તેને કરેલ અભ્યાસનો હાલ પૂરતો કોઇ ફાયદો ઉઠાવી શકતો નથી. આવી પરિસ્થિતિમાં અમુક યુવાનોથી પોતાના અભ્યાસ કરતાં નીચેના સ્તરનું ક્ષેત્ર પસંદ થઇ જાય છે અને તે યુવાનોને પોતાના સ્તરના ક્ષેત્રમાં જવાનો મોકો મળતો નથી અથવા તો તે ક્ષેત્રમાં જવા માટે પ્રયત્ન પણ કરતો નથી તેથી તે યુવાનનું કેરિયર દિશાહિન થઇ જાય છે માટે તે યુવાનને કેરિયર બનાવવા માટે પૂરતો સમય આપવો જોઇએ એટલેકે તેને અભ્યસના સમયગાળા દરમિયાન વધારાની જવાબદારી તેના પર નાખવી ન જોઇએ જેથી તે એકચિત્તે પોતાનુ કેરિયર બનાવી શકે માટે મારો વડીલોને અનુરોધ છે કે શિક્ષિત યુવાનને પરણાવવામાં ઉતાવળ કરશો નહી. આપણે કહીએ છીએ કે આપણી સમાજથી જૈન સમાજ આગળ છે. તો તે સમાજની રૂઢીઓ કે પ્રણાલીકાઓ જોઇશુ તો ખબર પડશે કે તેના યુવાનો મોટા ભાગે ૨૭ -૨૮ વર્ષ બાદ જ પરણતા હોય છે માટે આપણે પણ તે વિશે વિચારવુ જરૂરી છે તથા આગળ કહ્યુ છે કે તમે જો ભણેલ યુવાન આજના સમયમાં ખેતી કે ધંધો કરશો તો ફરક પડશે કરણકે અત્યારે વિશ્વ એક બજાર થઇ ગયુ છે તથા ખેતી અને ધંધામાં આધુનિકતની સાથે નવી – નવી ટેકનોલોજી આવી છે. તેનો યોગ્ય અને મહત્તમ ઉપયોગ શિક્ષિત યુવાન કરી શકે છે. ખેતી કે ધંધામાં અનુભવ જરૂરી છે તેમાં કોઇ શંકાને સ્થાન નથી પણ અનુભવી સાથે જો શિક્ષણ હોય તો વધારેમા વધારે લાભ લઇ શકાય છે.
યુવાન મિત્રોને પણ કહેવુ છે કે મિત્રો ધોરણ – ૧૨ પછી અને તેના પછી ૪ – ૫ વર્ષનો અભ્યાસનો સમયગાળો મુખ્ય અભ્યાસનો સમય હોય છે. તે સમય દરમિયાન તમે ગધેડાની જેમ અભ્યાસમાં મહેનત કરશો તો બાકીની જીંદગી રાજાની જેમ વિતાવશો. જો તે સમયમાં રાજાની જેમ જીવશો એટલેકે મોજ મસ્તીમાં સમય વિતાવશો અને અભ્યાસ પ્રત્યે પુરતુ ધ્યાન નહિ આપો તો બાકીના કેરિયરના સમયમાં ખૂબ મહેનત કરવી પડશે તથા મિત્રોને એ પણ જણાવવાનુ છે કે તમારે કોઇ વિષયમા રસ ન હોય પણ તેની ડિમાન્ડ છે તો મિત્રો તે વિષયની પાછળ ખોટી મહેનત કરશો નહિ. મિત્રો તમારે જે વિષયમાં રસ છે તેમની પાછળ ખૂબ મહેનત કરશો તો તેમા તમારે મોટી સફળતા પ્રાપ્ત થશે તેથી તમારી આપો – આપ ડિમાન્ડ ઉભી થશે. માટે મિત્રો ઘેટાના ટોળાની માફક આપણે અભ્યાસ ન કરવો જોઇએ. હવે તો કેટલા બધા કોર્ષો થઇ ગયા છે. કેટલાક કોર્ષોના અભ્યાસ માટે એસ.એસ.સી. થી કે ધોરણ – ૧૧ થી નક્કી કરી રજીસ્ટર કરાવા પડે છે. માટે મિત્રો તમારે તમારા કેરિયરનું લક્ષ્ય પહેલેથી જ નક્કી હોવુ જોઇએ. તેમના પ્રમાણે જ અભ્યાસ કરવાનો રહે તથા મિત્રોને એ પણ કહેવુ છે કે તમે જે અભ્યાસ કરવા માગો છો તેના માટે તમારા વડીલ આર્થિક રીતે સક્ષમ છે તે તમારે સૌ પ્રથમ વિચાર કરવાનો રહે છે. કારણકે આજે એટલી બધી ફીની સાથે ડોનેશન થઇ ગયા છે કે તેને પહોચી વડવા માટે સામાન્ય માણસનુ કામ નથી. મિત્રો એ પણ ધ્યાનમાં રાખવુ જોઇએ કે આપણી શિક્ષણ પધ્ધતિ ઘણી બધી ખામીઓ છે કે તમે કોઇ અભ્યાસ પૂરો કરતાની સાથે તમે તે વિષયમાં નિપુણ થઇ ગયા એવુ ન કહેવાય. ઉદાહરણ તરીકે કોમર્સ ગ્રેજ્યુટ થયેલ યુવાનને પ્રેક્ટીકલ રીતે એકાઉન્ટ કરવાનુ થાય ત્યારે તેની પાસે તેના અભ્યાસ દ્વારા પુરતુ જ્ઞાન હોતુ નથી જેથી તેને પ્રેક્ટીકલ વખતે ઘણુ બધુ શિખવુ પડે છે અને જાત જાત અનુભવ સહન કરવા પડે છે. માટેકોઇ અભ્યાસ કર્યા બાદ તમે તે વિષયમાં નિપૂણ છો તેમ કહિ ન શકો. માટે અભ્યાસ પૂરો કરતાની સાથે તમારે મનપસંદ નોકરી ન પણ મળી શકે તથા અમુક અભ્યાસો ખૂબ જ મહેનત માંગી લેતા હોય છે જેવા કે સી.એ., ઇ.એસ.ઓફિસર વગેરે અભ્યાસોમાં તમારે ચોક્કસ સફળતા મળશે તેવુ ન કહી શકાય. તેવામાં નિષ્ફળતા મળે અને તમારા પરિવારની આર્થિક પરિસ્થિતિ વિપરીત હોય તો તમારા પરિવારને ઘણી બધી મુશ્કેલી વેઠવી પડે છે. માટે મિત્રો ઊંચો અભ્યાસક્રમ નક્કી કરતા પહેલા તમારી આર્થિક પરિસ્થિતિ ન હોય તો તમારે તે અભ્યાસ ન કરવો જોઇએ. તેના માટેના પણ રસ્તા છે કરણકે હવે તો કેટલા બધા એક્ષટર્નલ અભ્યાસક્રમો થઇ ગયા છે કે જેમા તમારે માત્ર પરીક્ષા આપવા જવાનું હોય છે. બાકીની તૈયારી તમારે જાતે જ કરવાની હોય છે જેથી થોડી વધારે મહેનત કરવી પડે છે પણ તમે તમારી અનુકૂળતા મુજબની નોકરી કરી શકો છો. તેથી મિત્રો તમે થોડુ વિચારીને કોઇ અભ્યાસક્રમ નક્કી કરશોતો તમારે પાછુ વળીને જોવાનો વારો આવશે નહિ. સાથે મારા વિદ્યાર્થી મિત્રોને કહેવાનુ કે જ્યારે મે આ લેખની શરૂઆતમા જ લખ્યુ છે એમ અત્યારે શિક્ષણનું સ્તર ખૂબ વધ્યુ છે ત્યારે જેમ દરેક ધંધામાં ગળાકાપ હરિફાઇ છે તેમ શિક્ષણમાં પણ ખૂબ હરિફાઇ વધી છે ત્યારે એક ચોક્ક્સ લક્ષ્ય સાથે શિક્ષણમાં ખૂબ મહેનત સાથે લક્ષ્યને સિધ્ધ કરશો તો જ સિધ્ધી મળશે. તમને તમારૂ લક્ષ્ય જેમ મહાભારતમાં “અર્જુન” ને માછલીની આંખ દેખાય તેમ તમારી આંખમા તમારૂ લક્ષ્ય સામે હોવુ જરૂરી છે ને તેને વિંધશો તો જ સિધ્ધી રૂપી મૂડી તમને પ્રાપ્ત થશે.
આજનો શિક્ષિત યુવાન દિશા શુન્ય શા માટે એમાનુ આ ઉપર મુજબનું કારણ પર જવાબદાર છે. દા.ત. કોઇ પણ વિધ્યાર્થી મિત્રને ૧૨માં ૯૦% સાથે પાસ થયો ને ત્યાર બાદ (પી.ટી.સી.) નો અભ્યાસ ચાલુ કર્યોને તે અભ્યાસ દરમિયાન તે પોતાના લક્ષ્યથી થોડો દુર થયોને તેને પી.ટી.સી.માં ૬૫ થી ૭૦% ની વચ્ચે ટકાવારી આવી તો તે વિધ્યાર્થી મિત્ર ક્યાંયનો ન રહ્યો કારણકે અત્યારે શિક્ષકની નોકરીમાં “ મેરીટ ” ઘણું ઉંચુ થવા માંડ્યુ છે ત્યારે એ વિધ્યાર્થી મિત્રની થોડીક કચાશના હિસાબે તે શિક્ષકની નોકરીથી દુર રહેશેને ત્યાર બાદ સમાજની ઉપેક્ષાઓ તેને દિશા શુન્ય કરવા માંડે છે. વળી કેટલા યુવાન મિત્રો પોતાના ભણતરને અનુરૂપ જ્યારે નોકરી ન મળે તેને એના સિવાયની નોકરી મળતી હોય પણ પોતાની જાત તેનો સ્વીકાર કરવા તૈયાર ન હોય ને તેઓ નોકરીનો અસ્વીકાર કરતા હોય છે. તો મારે એ વિદ્યાર્થી મિત્રોને એટલુ જ કહેવુ છે કે, “ કામ વગરનુ મગજએ રાક્ષસનું ઘર છે.” આપણને મનને ગમતુ કામ ન મળે પણ જે મળે તેનો સ્વીકાર કરી પોતાની જાતને કામમાં લગાડી દેવી જોઇએ. સાથે એવા પ્રયત્ન પણ કરવા જોઇએ કે આપણને આપણુ મન ગમતુ કામ મળી જાય.
મારે વડીલોને એટલુ જ કહેવુ છે કે જ્યારે તમારી નજર સમક્ષ આવા યુવાનો મળે ત્યારે તેમને સમજાવવાનો પ્રયત્ન કરવો જોઇએ કે, “ કોઇ પણ નાનું કામ જેમાં ઇમાનદારી હોય તેવુ કોઇ પણ કામ નાનું નથી.” ને કોઇ પણ સાચુ કામ કરવામા નાનપ ન અનુભવી જોઇએ જેથી કરી આપણું સંતાન આપણા સમાજનો યુવાન કોઇ ખરાબ રસ્તે ન ચડી જાય કારણકે આજના યુવાન જેમ યુગ – પરિવર્તન થઇ રહ્યુ છે તેમ વિચારોમાં પણ પરિવર્તન થઇ રહ્યા છે ને યુવાનોમાં “ સહનશીલતા “ ખુટવા માંડી છે. બીજી બાજુ સમાજમાં ઓછા સમયમાં ને ઓછી મહેનતે વધુ રૂપિયા કમાવવાની દોટ લાગી છે ત્યારે આપણા સંતાન, આપણા સમાજનો યુવાન ખોટા કામમાં ન લાગી જાય એ વડીલોની જોવાની ફરજ છે.
આ લેખના અંતે મારે આજના શિક્ષિત યુવાન સાથે સમાજ અને વડીલોને એટલુ જ કહેવુ છે કે જેમણે સાહિત્ય્માં નામ મેળવ્યુ , વિજ્ઞાનની નવી – નવી શોધો કરી , ઉદ્યોગો સ્થાપ્યા , એ બધા લોકો ભણવામાં અચૂક હોશિયાર ન હતા. કેટલાક જરૂર ભણવામાં પણ હોશિયાર હશે પરંતુ તેમની સિધ્ધીની સગાઇ તેમના ભણતર સાથે જ નહોતી. તેમની સફળતાના પાયામાં તેમની હૈયા ઉકેલત ,તેમનો ઉદ્યમ , તેમની લગન અને તેમનુ ધૈર્ય હતું. સાથે વડીલોનો પ્રેમ સાચો દિશા ઉકેલની રાહ હતી.
પુજ્ય “ મહાત્મા ગાંધીજી “ ભણવામા એટલા બધા હોશિયાર નહોત. પરંતુ પોતાનુ ઘડતર જાતે કરવાની ત્રેવડ એમણે મેળવી લીધેલી હતી. બસ મૂળ વાત એટ્લી છે કે તમે તમારી અંદર પડેલી શક્તિઓને ઓળખો ને જગાડો તેને પૂરા કરવા તેમાં ખૂટતા તત્વ પૂરા કરો. આ ખૂટતા તત્વો પૂરા કરવા માટે આપણી સમાજે શિક્ષણ સમિતિની રચના કરી છે માટે તમારા પ્રશ્નો સમિતી સમક્ષ રજૂ કરશો તો તમને યોગ્ય સલાહ સૂચન મળશે જેથી તમારૂ સમ્રૃધ્ધ કેરિયર બનાવી શકો.
જે ઉપર લખ્યુ એમ થવા માંડશે તો હું ચોક્કસ પણે કહિશ કે આપણા સમાજનો “ શિક્ષિત યુવાન “ એ દિશા શુન્ય યુવાન નહિ પણ “ દિશા સુચક “ યુવાન બની રહેશે. જે પોતાનું, પોતાના ઘરનુ, સમાજનુ અને આખા દેશનુ હિત ભર્યુ કાર્ય કરતો રહેશે.
લેખક: શ્રી પ્રફુલ ડાહ્યાલાલ દડગા - M. Com, LLB
Cheap Jerseys cheap jerseys nba cheap jerseys nfl Cheap Jerseys free shipping
wholesale inkjet paperwholesale inkjet photo papercheap inkjet papercheap inkjet photo paper





