bidda
શોધવુ
નામ:

અટક:
વિસ્તાર:
શિક્ષણ:
બ્લડ ગ્રુપ:
વ્યવસાય:
top
શ્રી બિદડા પાટીદાર શિક્ષણ તથા આરોગ્ય સમિતિ આયોજીત શૈક્ષણિક પ્રવાસ

યુવાસંઘ કચ્છ (પૂર્વ) રીજીયન આયોજીત એક કદમ લક્ષ્ય કી ઓર સિઝન - ૨ વર્કશોપ

શ્રી બિદડા પાટીદાર સનાતન સમાજ દ્વારા આયોજિત ત્રીજો મકરસંક્રાંતિ રમત મહોત્સવ

શ્રી બિદડા કડવા પાટીદાર લક્ષ્મીનારયણ સનાતન યુવક મંડળ આયોજિત હોળી પર્વ નિમત્તે વોલીબોલ ટુર્નામેન્ટ

બિદડા પાટીદારસમાજ ખાતે યુવાસંઘ પૂર્વકચ્છ રીજીયન સ્વાસ્થ્ય સુરક્ષા અભિયાન અંતર્ગત મેડીકલ ચેકઅપ કેમ્પ

શ્રી બિદડા પાટીદાર શિક્ષણ તથા આરોગ્ય સમિતિ આયોજિત એક દિવસીય શૈક્ષણિક પ્રવાસ

હવનાષ્ટમી અને સરસ્વતી સન્માન સમારોહ નો અહેવાલ વર્ષ ૨૦૨૧

વિધાર્થી સ્નેહમિલન કાર્યક્રમ 05/11/2016

નવરાત્રી મહોત્સવ

ગણેશ ચતુર્થી

જન્માષ્ટમી પર્વ અ‍હેવાલ ૨૦૧૬

bottom
top
ટેલીફોન ડિરેક્ટરી
નામ/નંબર :
bottom
top
વેબસાઇટ મુલાકાત લીધી
bottom
top
આપણા સમુદાય
facebook ફેસબુકtwitterટવીટર
bottom
શ્રી બિદડા પાટીદાર સનાતન સમાજનો ઈતિહાસ

  

  આગમન 

સવંત ૧૯૫૭ ની સાલ માં બિદડા પાટીદાર સમાજ માટે ઘણીજ અગત્યની હતી. આ વર્ષે બિદડા મુકામે પ્રથમ રતનબેન ખેતા લીંબાણી પોતાના પાંચ સુપુત્રોને લઇ રાજપર ગામથી ખેતમજૂર કરવા આવ્યાં. જે સૌપ્રથમ સંગાર વાડીમાં રહી ખેતમજુરી કરવા લાગ્યાં, ત્યારના સમયમાં બિદડામાં જૈન ભાઈઓની ખેતી પુર જોશમાં ચાલતી, એટલે મજૂરોની બહુ જરૂર રહેતી. તેમાં આપણે કડવા પાટીદાર જેમના રગેરગમાં ખેતીની સમજણ ભરેલી તેવા લોકોની તેમને ખાસ જરૂરિયાત રહેતી. રતનમાંના સંબંધને લીધે મંગવાણા ગામથી દેવજી ખીમાભાઈ શીરવી અને નાનચંદ વાડીએ રહ્યા. ત્યાર પછી સમયાંતરે કાનજી ગોપાલ રામાણી (મુખી) અને પુંજા ભીમજી છાભૈયા રાજપરથી તેમજ માવજી ભીમજી હળપાણી જીયાપરથી, લાધા રૂડા રામાણી ભેરૈયાથી, સોમાજી લાધા પોકાર રાજપરથી, વાલજી પાંચા સેંઘાણી અને કરશન સોમજી તથા ગોપાલ સોમજી સેંઘાણી દરશડીથી, લાલજી મેઘજી અને હીરજી મેઘજી દડગા દુજાપરથી, વિશ્રામ ઉકાણી દરશડીથી આવ્યા ત્યારબાદ એકબીજાના સંબંધે સગાવહાલા બિદડા મધ્યે આવ્યા અને જુદી જુદી વાડીએ રહેવા લાગ્યા. શરૂઆતમાં બધા જૈનભાઈઓની વાડીઓમાં મજુરી કામ કરતા ત્યારબાદ ભાગીતી જમીન ખેડવા લાગ્યા. જૈનભાઈઓની જમીનમાં કામ કરવા માટે માણસોની જરૂરિયાત પૂરી થતા યુવાન જૈનભાઈઓ ધંધા અર્થે મુંબઈ બાજુ સ્થળાંતર થયા. ક્રમે ક્રમે તેનાં કુટુંબો પણ વાડીઓ પટેલોને સોંપી મુંબઈ સ્થળાંતર થઇ ગયાં.

જમીન માલિકો બન્યા

આપણે પાટીદાર એટલે મહેનતુ અને ખંતીલા, એટલે સખત મહેનત કરતાં કરતાં આર્થીક રીતે સધ્ધર થતાં સવંત ૧૯૯૬ પછી જૈનોની નાની નાની વાડીઓ ઉધારા ઉછીના પૈસા કરી કે દાગીના ગીરવે રાખી ખરીદવા લાગ્યા અને પોતાની જમીનોમાં ખેતી કરવા લાગ્યા. આમ અનેક વર્ષો મજુરી કાર્ય બાદ આખરે આપણે જમીનના માલિકો બનયા.

જમીનના માલિકો બનયા પણ દરબારોના રાજ હોવાથી રાવળા ખળાં ભરાતાં, ખેડૂતોને પોતાનો બધો માલ ખરવાડ માં લઇ આવવો પડતો. આપણો તૈયાર માલ પડ્યો હોય તો પણ આપણે ખાઈ શકતા ન હતા, કારણ જ્યાં સુધી બધી ખરવાડ નીવડાઈ જાય અને રાજનો ભાગ રાજના અમલદારો આવી ધાનની સાત ઢગલી કરી તેમાંથી બે ઢગલી ધાન લઇ જાય તે પછીજ એ ધાન આપણે ખાઈ શકતા, ક્યારેક અમલદારો દિવસો સુધી ન આવતા અને ઘરોમાં ખાવા માટેનું અનાજ ખલાસ થઇ ગયું હોય ત્યારે આપણી માતાઓ પીવાના પાણીના ગાડામાં અનાજ લઇ જતી, આપણી કેટલી મજબુરી હતી કે આપણું ધાન આપણે ખાઈ ન શકતા, ખેતરમાં જાર (જુવાર) હોય તો રાજનો ભાગ આપ્યા પછીજ ખેતર વળવા મળતાં.

શરૂઆતના ઘણા વર્ષો આપણા વડીલો કોશ દ્વારા કુવામાંથી ઉલેચી ખેતી કરતાં હતા, સવારથી સાંજ સુધી બળદ વડે કોશ ખેચવામાં આવે, પાણી થાળામાં થઇ ધોરિયા વાટે ક્યારે પહોંચે ત્યાં નીલો પાક લહેરાતો, આ મહેનત રંગ લાવતાં ધીરેધીરે આપણા વડીલોને કોશની રાશમાંથી ઓઈલ એન્જિનો આવતાં જાણે આઝાદી મળી. મશીન વડે પાણી ખેચવા લાગ્યા ત્યારબાદ છેલ્લે ઈલેક્ટ્રીક મોનોબ્લોક મોટર સબમર્શીબલ મોટર દ્વારા બોરમાંથી પાણી ખેચી સધ્ધર ખેતી કરવા લાગ્યા. બળદના હળને બદલે હવે ટ્રેકટર અને થ્રેસર આવ્યાં જેથી આપણી મહેનતુ સમાજે ખુબજ પ્રગતિ કરી.

સમાજના જુના રીતરીવાજો

શરૂઆતમાં જયારે આપણા ઉતર પાંચડો છોડી બિદડા મધ્યે વસવાટ કર્યો ત્યારે આપણી સમાજમાં જુના રીતરીવાજો (સતપંથ સંપ્રદાય) ચાલતા હતા. તે સમયે જગ્યાં(મંદિર) ન હોવાથી કાનજી ગોપાલ રામાણી(મુખી) જે મુખીપણું કરતા હોવાથી તેમનીજ વાડીએ પૂજા ભરાતી અને તેમનાજ ઘેર આપણા સામાજીક પ્રસંગો જેમકે સાતમઆઠમ, જન્માષ્ટમીનો ઢોલ વાગતો. ત્યારબાદ મનજી કાનજી રામાણી કલાણવાડીએ પૂજા કરાવતા અને પૂજાની ચોપડી તે સમયે મેઘજી લાલજી લિંબાણી વાંચતા, સમય જતાં આશરે સવંત ૧૯૯૮ની શાલમાં સામજી લાધા રામાણી અને મેઠુ(દેવજી) લાધા રામાણી આ બંને ભાઈઓ અજોરવાડી(હાલની સમાજવાડી) માં રહેતા હતા. ત્યારે તેમણે સતપંથની જગ્યાં માટે એક રૂમ વાડીમાં બાંધવા જેટલી જગ્યા આપી અને રૂમ બનાવવામાં જે ખેડુભાઈઓ હોય તે પોતાના બળદગાડામાં આસંબીયાથી પથ્થર લાવી આપતા અને મજુરીભાઈઓ હોય તેણે ભેગારી(બાંધકામ) નું કામ કરી આપ્યું, એ સમાજનું પ્રથમ રૂમ જગ્યાં(મંદિર) બંધાયું અને ત્યાર પછીથી પૂજા સમાજ મંદિરમાં ભરાવા લાગી અને સામાજિક કાર્યક્રમો અહીંજ થવા લાગ્યા. સમય જતાં જગ્યાં(મંદિર) નો રૂમ અમુક કારણોસર પડી ગયો અને ફરીથી નવો રૂમ સોમાજી ધનજી એ આથમણાની સામે બંધાવી આપ્યો.

અન્ય સમાજો દ્વારા તીરસ્કાર

જે-તે સમયે આપણે કડવા પાટીદાર મુમના કહેવાતા, જૈનભાઈઓ છુવા છુતમાં બહુ માનતા હતા, તેથી આપણી સમાજના વડીલોને અલગ બેસાડતા. આપણે સંગાર, રાજપૂત, લોહાણા વગેરે જ્ઞાતીથી નીચા ગણાતા હતા, જો કોઈની જાનમાં પટેલોના ગાડાં ગયાં હોય ત્યારે ગાડાંવાળાને અલગ બેસાડવામાં આવતા હતા, ત્યારે આપણને વિચારવાનુંજ રહ્યું કે તે સમયે કેટલું સહન કરવું પડતું, આ બધું ત્યારેજ સામે આવ્યું, જયારે પીરાણાથી સૈયદો પૂજા કરાવવા આવ્યા અને આપણી સમાજની કોથળીમાંથી દશોદ લઇ જવા લાગ્યા ત્યારથી આપણે મુમના તરીકે ઓળખાવવા લાગ્યા. આપણે જ્યાં સમુહભોજન જતાં ત્યારે પોતાના વાસણ લઇ જમવા જવું પડતું, અન્ય સમાજોથી તિરસ્કારગ્રસ્ત આપણી સમાજના યુવાનોને અકળામણ થવા લાગી.

ધર્મ જાગૃતિ

આવી અનેક યાતનાઓ સતપંથમાં રહી સહન કરી તત્ સમયના યુવાનોને લાગ્યુંકે આપણે જાગૃતિ લાવવી જોઈએ ત્યારે મદનપુરા ગામ જાગૃત બન્યું અને ભગવાન શ્રી લક્ષ્મીનારાયણ મંદિરની પ્રતિષ્ઠા થઇ. ત્યારે આપણા વડીલો પણ એકતા કરી સતપંથના જુના રીતરીવાજોનો ત્યાગ કરી સનાતન વૈદિક ધર્મનો અંગીકાર કરી ભગવાન શ્રી લક્ષ્મીનારાયણની પાન મૂર્તિની સ્થાપના કરી, ત્યારે વડીલો માટે વિકલ્પ રાખવામાં આવ્યો કે જો તમને જુનું પાળવું હોયતો તમે જીવતાં હો ત્યાર સુધી પાળી સકો છો પણ અમે નવું પાળસુ તેવું યુવાનોએ એકી સાથે કહ્યું અને આપણી સાજે સનાતન ધર્મનો અંગીકાર કર્યો. તે સમય હતો સવંત ૨૦૦૭ ની સાલનો.

જયારે પરિવર્તનનો શંખ ફુંકાયો ત્યારે આપણી સમાજની સંખ્યા હતી અંદાજે ૩૦૦ જણની. આપણી સમાજ પહેલાથી જ મક્કમતાવાળી રહી છે જયારે એક ઝાટકે બિદડા સમાજે જુના ધર્મનો ત્યાગ કર્યો ત્યારે બંધારણ(નીતિ) અપનાવી કે જેને બિદડા સમાજનું સભ્યપદ મેળવવું હોય તે પોતે સનાતન ધર્મનો અંગીકાર કરે ત્યાર પછી સમાજમાં ભેળવવા. જે નીતિ આજ દિન સુધી ચાલુ છે.

બિદડા સમાજે સનાતન ધર્મનો અંગીકાર કર્યો ત્યારે વૈદિક શાસ્ત્ર પ્રમાણે ચોરીના ચાર ફેરા ફરી પ્રથમ લગ્ન ના તાંતણે બંધાનાર હતા મુલજી લાલજી લીંબાણી અને ખીમજી ભાણજી સેંઘાણી ત્યાર પછી સનાતન ધર્મ પ્રમાણે વિધીઓ થવા લાગી.

સમાજની રચના

          આપણે જુદા-જુદા પાંચ કી.મી. ના વિસ્તારમાં વાડીએ રહેઠાણ કરી રહેવા લાગ્યા. આપણા સમાજના ધાર્મિક તેમજ સામાજિક પ્રસંગો વખતે  રહેઠાણોથી સમાજવાડીનું અંતર વધુ થતાં શ્રી બિદડા પાટીદાર સમાજ માંથી વિસ્તાર પ્રમાણે અલગ અલગ સમાજની રચના કરી પોત પોતાનો વહીવટ કરવા લાગ્યા જેમાં નાનીખાખર, તલવાણા(ટીપણારાડ – શ્રી રામ નગર), હરીપુરા, કૈલાશ નગર સમજો બિદડા પાટીદાર સમાજ નુંજ અંગ છે.

સમાજના ઘડવૈયા

શરૂઆતમાં સમાજને પ્રગતિના પંથે લઇ જવા નો મોટો ફાળો સમાજના વડીલોનો હતો. જેમણે ખંત અને ધગસથી સમાજને આગળ ધપાવેલ. એ જમાનામાં વડીલોની કોઠા સુજથી સમાજનો વહીવટ ચલાવનાર વડીલો હતા શિવદાસ કરશન સેંઘાણી, રામજી લાલજી દડગા, અરજન વિશ્રામ સેંઘાણી, કેશરા માવજી હળપાણી, ધનજી પુંજા છાભૈયા, ભાણજી લાલજી દડગા, લાલજી કાનજી રામાણી, લધા કરશન ઉકાણી, હંસરાજ કાનજી પોકાર, ધનજી ગોપાલ સેંઘાણી, દેવજી ગોપાલ સેંઘાણી, જીવરાજ હીરજી દડગા, સોમજી લધા પોકાર અને મેઘજી લાલજી લીંબાણી હતા.
સમાજનો વહીવટ માટે દશોદ ઉઘરાવવી પ્રથમ અમલમાં મુકવામા આવી સૌપ્રથમ દશોદ માં ધાન્ય લેવામાં આવતું ધાન એક કળશી (જૂનુ માપ) માંથી છ પાટી દશોદ ભરવી પડતી, અનાજ સમાજ ના વડીલ વેચી તેમાંથી વહીવટ કરતા મંદિરના પુજારીને પગાર ચુકવતા. ત્યારે મંદિર ના સેવક તરીકે ભવાન મહારાજ વિધી વિધાન કરતા અને તેને ચાર આના પગાર ચૂકવતો. તેમ છતાં વધેલા રૂપિયાની કોથળીમાં જમા રાખવામા આવતા અને આ કોથળી શીવદાસ કરશન સેંઘાણી પાસે રહેતી અને તેનો હીસાબ તે સમય ની ચાર ચોપડી ભણેલા એક માત્ર વડીલ શ્રી મેઘજી લાલજી લીંબાણી રાખતા.

સમાજનો વિકાસ

દશોદ માંથી જે રૂપિયાની બચત થઈ અને સમાજમાં વસ્તી વધવા લાગી ત્યારે સમાજવાડી ની જરૂરીયાત ઊભી થતાં અજોરવાડી ની તપાસ કરતા મીઠુ લધા રામાણી પાટીદાર સમાજ ને પોતાના ભાગની અડધી વાડી આપવાની તૈયારી બતાવી અને સમાજે અજોરવાડીનો અડધો ભાગ લેતા તે રામાણી પરીવાર હૈતલ વાડી મા રહેવા ગયા. ત્યાર પછી પાંચ-છ વર્ષ વાડી ની અડધી વાડી સામજી લધા રામાણી પાસેથી સમાજે ખરીદી કરી. આથી સમાજવાડી સમાજ ને હસ્તે થઈ અને સમાજની પ્રગતિ થવા લાગી.

સમાજમાં શિક્ષણ

આશરે સંવત ૨૦૧૫ પહેલા આપણા પુર્વજોએ લાગ્યું કે સમાજને જો પ્રગતી ના શિખરો સર કરવા હશે અને સમય સાથે કદમ મીલાવો હશે તો શિક્ષણ ખુબજ જરૂરી છે. શિક્ષણની આવશ્યકતા જણાતા આપણી સમાજે સૌપ્રથમ એક રૂમ દ્વારા સમાજવાડી મધ્યે શાળા શરૂ કરી એક ઐતિહાસિક કદમ ઉઠાવ્યું હતુ. ત્યાર બાદ ચાર ધોરણ સુધી નું પ્રાથમીક શિક્ષણ સમાજવાડીએજ આપવામા આવતું. આ શાળા ૪૫ વર્ષ સુધી ચલાવેલ, આગળ જતાં ઈ.સ.૧૯૯૧ થી જુદા જુદા વાડી વિસ્તારમાં સરકારે પ્રાથમિક શાળા ચાલુ કરતા, સમાજવાડીએ શાળા બંધ કરી પણ જુદા જુદા વિસ્તારો ની પ્રાથમિક શાળા માં બાળમંદિરનું સંચાલન આપણી સમાજના ભાઈઓ જ કરે છે.   

સમાજવાડીનું નિર્માણ

સમય જતાં ધાન(અનાજ) ના ઉત્પાદન કરતાં કરતાં કપાસ અને મગફળી નું વાવેતર થતાં આપણી આર્થીક પરિસ્થિતી માં ભગવાન શ્રી લક્ષ્મીનારાયણની દયાથી સારો એવો સુધારો થતાં દશાંદ સેકડે એક રૂપિયો આપવાનું નક્કી કરવામાં આવ્યું જેથી સમાજની આવકમા વધારો થતાં સમાજવાડીએ સમાજ માટે રૂમનું બાંધકામ કરવામાં આવ્યું અને સમાજે સૌપ્રથમ પોતાના વાસણ વસાવવાનું શરૂ કર્યું. શરૂઆતના વર્ષોમાં ત્રાંબાના ૧૬-૧૭ કડાઈયા, ૨૦૦ થાળી અને ૨૦૦ વાટકા પીતળના ખરીદી કર્યા.

ભગવાન શ્રી લક્ષ્મીનારાયણ મંદિરનું ખાતમુર્હત

માં ઉમિયા અને ભગવાન શ્રી લક્ષ્મીનારાયણની દયાથી તતસમયે સમાજ પાસે દેનાબેંક ના ખાતામા રૂ.૩,૦૦,૦૦૦ જમા થઈ ગયા. આર્થિક સધ્ધરતા આવતા વડીલોએ વિચાર્યું કે આપણી પ્રગતી ભગવાન શ્રી લક્ષ્મીનારાયણની કૃપા થી થઈ છે. તો આપણે ભગવાનનું ભવ્ય શિખર બંધ મંદિર બનાવવું જોઈએ અને તેનો વિચાર તરતજ અમલ માં પણ મૂકી દીધો. જયારે મંદિરની પાયાવિધી ઈ.સ.૧૯૮૩માં સમાજના મુખીબપા મનજી કાનજી રામાણીના વરદ હસ્તે કાશીરામ મારાજના શાસ્ત્રોક્ત વિધિથી કરવામાં આવી ત્યારે મંદિરનું આયોજન ૩૦ ફૂટ × ૩૦ ફૂટ નું હતું પણ પછી સમાજના પાટીદારોએ વગર વ્યાજની લોન આપવા સમાજ સમક્ષ તૈયારી બતાવી ત્યારે આ મંદિર ૪૦ ફૂટ × ૪૫ ફૂટ નું આયોજન થતાં રૂ.૨,૦૦,૦૦૦ લોન તરીકે મળ્યા. આ પણ જયારે આયોજનની પ્રથમ મીટીંગ મળી ત્યારેજ દાન ભેગું થઈ ગયુ. સમાજની નેમ રહેલી છે કે કોઈપણ બીજી સમાજને પાસે હાથ લાંબાં કરવા નહિ તે પરંપરા આજે પણ ચાલુ છે. મંદિરનું બાંધકામ આમ સરળતાથી પૂર્ણતાની આરે પહોચ્યું. મંદિરમાં બિરાજમાન ભગવાન શ્રી લક્ષ્મીનારાયણ, કુળદેવી શ્રી ઉમિયા માતાજી, અંબામા, સંતોષીમા, શીતાલમા, ગરૂડજી, હનુમાનજી ,ગણપતિ વગેરે ની મૂર્તિઓ જયપુર(રાજસ્થાન) થી મંગાવવામાં આવી હતી. આ મૂર્તિઓ લેવા લાલજી લધા સેંઘાણી, લધા પુંજા છાભૈયા, મણીલાલ કાનજી સેંઘાણી, ભવાનજી ભાણજી રામાણી, કલ્યાણજી હીરજી છાભૈયા સાથે પોતાની ગાડીમાં મૂર્તિઓ લેવા જાતે ગયા હતા.  જયારે મૂર્તિઓ સમાજવાડી મધ્યે પહોચી ત્યારે સમગ્ર વાતાવરણ ઉલ્લાસ મય અને દિવ્યતા વાળું બની ગયું.

 

ભગવાનની મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ

મંદિર નીર્માણબાદ ભગવાનની મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠાનો સમય નજીક આવતો ગયો અને ગામમાં ચારે બાજુ ઉત્સવનું વાતાવરણ બનવા લાગ્યું હતું. ત્રણ દીવાસનો ત્રિદિવસીય ભગવાન શ્રી લક્ષ્મીનારાયણ ની મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવને ધામધૂમ પૂર્વક ઉજવવામાં આવ્યો. ભગવાનની મૂર્તિ પ્રતિષ્ઠા કાશીરામ મહારાજ ના વેદો મંત્રોચાર  દ્વારા ભગવાનની પથ્થરની મૂર્તિમાં પ્રાણ પુરવામાં આવ્યા. ત્રીજા દિવસે ભગવાનની મૂર્તિની મંદિરમાં પ્રતિષ્ઠા વખતે મધૂસુધન લાલજી મહારાજ ની ઉપસ્થિતિની વચ્ચે વિધિસર સ્થાપના કરવામાં આવી ત્યારે સમગ્ર મંદિર નહિ પણ સમાજવાડીમાં દિવ્યતા પ્રસરી ગઈ. આજે પણ આવી દિવ્યતાથી મૂર્તિ ના પ્રતિષ્ઠા (સ્થાપના) થઈ એજ વખતે ભગવાનનો સાતમો અવતાર શ્રી રામ નો જન્મ સમય હોવાથી જાણે ભગવાન સાક્ષાત મૂર્તિમાં બિરાજમાન થતા હોય એવું લાગી રહ્યું છે. એ સમયે મહોત્સવ દરમ્યાન બીજે દિવસે આપણી સમાજે બિદડા ગામને ધુવા બંધ આમંત્રણ આપ્યું હતું. એ વખતે બધી જ્ઞાતી ની અલગ અલગ પંગત કરી જમાડવામાં આવ્યા હતા. આ સમગ્ર કાર્ય નિર્વિઘ્ને પાર પાડવામાં આવ્યું હતું. જમણવાર માટે તે સમયે પતરાવલી ની થાળી અને એલ્યુમીનીયમના વાટકા લેવામાં આવ્યા હતા જે ઉપયોગ લીધા બાદ વાટકા વેચી દેવામાં આવ્યા હતા. 

મૂર્તિ પ્રાણપ્રતિષ્ઠા વખતે ભગવાનની આસીમ કૃપાથી વિવિધ ૬૫ ચડાવાની બોલીઓ બોલાતા તે વખતે રૂ. ૧૮,૦૦,૦૦૦ અંકે અઢાર લાખ રૂપિયાના ચડાવા થયા હતા અને મહોત્સવ દરમ્યાન ખર્ચ ને બાદ કરતા સમાજ પાસે ભંડોળમાં વધારો થયો હતો.

સમાજના ભાઈઓની ખેલદિલી

જે ભાઈઓએ મંદિરના નિર્માણ માટે વગર વ્યાજ ની લોન પેટે જે તે રૂપિયા આપ્યા હતા તે પણ પરત લેવાની ના પાડી દેતા ચોમેર આનંદ ફેલાઈ ગયો હતો. મંદિર ની મહોત્સવ ની ખ્યાતી  ને લીધે સમાજ શિવાયના ગામના અન્ય જ્ઞાતિના ભક્તો તેમજ બહારગામથી લોકો દર્શને આવવા  લાગ્યા હતા.

સમાજની રચના

મંદિર નિર્માણ પામ્યા બાદ સમાજ ની રચના કરવામાં આવી તેમાં સ્થાપક પ્રમુખ શ્રી લધા પુંજા છાભૈયા, મંત્રી શ્રી મેઘજી લાલજી લીંબાણી અને સહમંત્રી શ્રી મણીલાલ કાનજી સેંઘાણીએ બધી જવાબદારી સ્વીકારી હતી અને ઘણા વર્ષો સુધી પોતાની જવાબદારી નિસ્વાર્થભાવે નિભાવી સમાજ સેવાનું કાર્ય કર્યું હતું.  સમાજની પ્રગતિ થતા મંદિર પ્રતિષ્ઠા બાદ સમાજના વિવિધ પરિવારો ગુજરાત બહાર ધંધાર્થે વસવાટ કરવા ગયા.

શ્રી બિદડા પાટીદાર સનાતન સમાજનું બંધારણ ઈ. સ. ૧૯૮૯ માં બનાવી અમલમાં આવ્યું. બંધારણ પ્રમાણે સમાજની ૧૩ સભ્યોની કારોબારી સમિતિ નક્કી કરવામાં આવી, જેમાં ૧૧ સભ્યો સ્થાનિક અને ૨ સભ્યો કચ્છથી બહાર વસવાટ કરતા હોય તેમાંથી લેવા, તેની મુદત ૩ વર્ષની નક્કી કરવામાં આવેલ છે.  સમાજના પ્રથમ પ્રમુખપદે શ્રી લધા પુંજા છાભૈયા અને મંત્રી પદે શ્રી મણીલાલ કાનજી સેંઘાણી સર્વાનુમતે વરાયા, ત્યારબાદ દર ૩ વર્ષે નવી કારોબારીની સર્વાનુમતે વરણી કરવામાં આવે છે.

યુવક મંડળ

સમાજના દરેક કાર્યોમાં પહોચી વળવા યુવાનોની ટીમ જરૂરી છે. આ કારણથી શ્રી બિદડા પાટીદાર યુવક મંડળની સ્થાપના ઈ. સ. ૧૯૭૫માં કરવામાં આવી, ત્યારથી નવરાત્રીની મંડપની સ્થાપના શરુ કરેલ છે. યુવક મંડળની સ્થાપના તે વખતે આપણી સમાજના મસ્કત વસતા ભાઈઓના આર્થિક સહયોગથી થયેલ. પ્રથમ ૪૦ ફૂટ x ૪૦ ફૂટનો મંડપ તૈયાર કરવામાં આવેલ, મંડપ બનાવવાની જવાબદારી સ્વ. ભવાનજી પ્રેમજી રંગાણી, સ્વ. ખીમજી કાનજી માકાણી, ભાંજી મનજી, કાનજી શિવગણ સેંઘાણી, ખીમજી ભાણજી સેંઘાણી, પ્રેમજી રામજી દડગા, માવજી અરજણ લીંબાણી અને રામજી અરજણ સેંઘાણીએ સ્વીકારેલ. આઠ દિવસમાં મંડપ તૈયાર કરાવી સાતમ-આઠમના તહેવારે સમાજવાડીના પટાંગણમાં ઉભો કરેલ. તે સમયમાં સમાજવાડીમાં ઇલેક્ટ્રિક લાઈટની વ્યવસ્થા નહોતી, તે સમયે બિદડામાં રહેતા આપણા સમાજપ્રેમી સ્વ. લાલજી ઠાકરશી શાહ ઇલેક્ટ્રિક કામ કરતા હતા, તેમણે પોતાના ખર્ચે ખીસરીવાડીમાંથી વાયરિંગ ખેંચી મંડપને ઝળહળા કરેલ. યુવક મંડળના સ્થાપક પ્રમુખ સ્વ. ખીમજી કાનજી માકાણી અને મંત્રીપદે મણીલાલ કાનજી સેંઘાણી હતા. યુવક મંડળ ધર્મિક તહેવારોની ઉજવણી, શિક્ષણક્ષેત્રે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા, રક્તદાન જેવી સામાજિક પ્રવૃત્તિ કરે છે.

મહિલા મંડળ

શ્રી બિદડા પાટીદાર સનાતન સમાજના બીજા અંગ એવા મહિલા મંડળની સ્થાપના સવંત ૨૦૪૮ આસો સુદ ૮ ને તા. ૪-૧૦-૧૯૯૨ના રોજ કરવામાં આવેલ. મહિલા મંડળની પ્રવૃતિમાં સમાજમાં મહિલાઓમાં જાગૃતિ લાવવાની, અંધશ્રધ્ધા દુર કરી સાચી સમજણ આપવી, ધાર્મિક ભજન, સત્સંગ અને ભાવી પેઢીમાં સારા સંસ્કારોનું સિંચન થાય તેવી પ્રવૃત્તિ કરવાનું છે. તેઓ મહિલા માટે પ્રવાસનું આયોજન પણ કરે છે.

 

શ્રી મુંબઈ બિદડા પાટીદાર સનાતન સમાજ 

ઈ. સ. ૧૯૯૪માં શ્રી મુંબઈ બિદડા પાટીદાર સનાતન સમાજ અસ્તિત્વમાં આવી, જેના પાનાં પથ્થર સ્વ. જીવરાજ પુંજા છાભૈયા હતા. આ સમાજની હાલમાં ૩૦૦ થી વધારેની સભ્ય સંખ્યા છે. તેઓ બિદડા સમાજની જેમ  વિવિધ સામાજિક પ્રવૃતિઓ કરે છે અને તેઓનું વાર્ષિક સ્નેહમિલન  દરવર્ષે દિવાળી પછી કરવામાં આવે છે.

 શતાબ્દી મહોત્સવ 

બિદડા સમાજના આગમનને ઈ. સ. ૨૦૦૦ની સાલમાં ૧૦૦ (સો) વર્ષ પુરા થતા હોઈ તે નિમિતે સમાજવાડીના પટાંગણમાં ત્રિદિવસીય શતાબ્દી મહોત્સવનું આયોજન તા. ૧૩, ૧૪, અને ૧૫-૦૫-૨૦૦૦ ના રોજ કરવામાં આવેલ. જેમાં વિવિધ સાંસ્કૃતિક અને ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ, વિવધ પ્રકારના સન્માન કાર્યક્રમો પણ યોજવામાં આવ્યા હતા. આ કાર્યક્રમ નિમિતે કેન્દ્રિય સમાજના હોદેદારો, સમાજના વડીલો, સંતો-મહંતોના જ્ઞાન તથા અમૃતવાણીનો લાભ સમગ્ર સમાજને મળેલ.

 શિક્ષણ અને આરોગ્ય સમિતિ 

સમાજમાં શિક્ષણનો વ્યાપ વધારવા અને તેનું સ્તર ઉપર લાવવા તથા સમાજના ભાઈ બહેનોને આકસ્મિક સંજોગોમાં મદદગાર થવા માટે શ્રી બિદડા પાટીદાર સનાતન સમજે તેના માટે ઈ. સ. ૨૦૦૮ માં શિક્ષણ અને આરોગ્ય સમિતિની રચના કરેલ છે. તેના સ્થાપક પ્રમુખશ્રી અમૃતભાઈ કચરાભાઈ રામાણી અને મંત્રી શ્રી હરેશ મગનલાલ લીંબાણી હતા. આ સમિતિ ૧૧ સભ્યોની બનેલી છે જેમાં ૯ સભ્યો સ્થાનિક અને ૨ સભ્યો કચ્છ બહાર વસતા ભાઈઓ હોય છે. આ સમિતિનો કાર્યકાળ ૩ વર્ષનો હોય છે. આ સમિતિ શિક્ષણિક સેમિનાર, માર્ગદર્શન, તબીબી સહાય તથા અનિવાર્ય સંજોગો માં મેડીકલ તથા શૈક્ષણિક લોન પણ આપવામાં આવે છે.

 ભગવાન શ્રી લક્ષ્મીનારાયણ મંદિર રજત જયંતી મહોત્સવ 

ભગવાન શ્રી લક્ષ્મીનારાયણના મંદિરને ૨૫ વર્ષ પુરા થતા હોઈ તે નિમિતે તા. ૨૬, ૨૭, ૨૮ અને ૨૯-૦૪-૨૦૧૧ના રોજ ભગવાન શ્રી લક્ષ્મીનારાયણ મદિર રજત જયંતી મહોત્સવનું આયોજન કરવામાં આવેલ. આ મહોત્સવ અંતર્ગત સમાજવાડી મધ્યે નવનિર્મિત ભવન તેના દાતા પરિવાર સ્વ. ભાણજી મનજી રામાણી પરિવાર દ્વારા ખુલ્લું મુકવામાં આવ્યું હતું. સમાજની શાનારૂપ વડીલોનું સનમન કરવામાં આવેલ અને શૈક્ષણિક ક્ષેત્રે પોસ્ટ ગ્રેજ્યુએટ કરેલ તારલાઓનું સન્માન કરવામાં આવેલ. આ મહોત્સવ નિમિત સામાજિક અને ધાર્મિક સભાઓ યોજવામાં આવી હતી, જેમાં સમાજના હોદેદારો અને વડીલો તથા સંતો-મહંતોના જ્ઞાન તથા આશીર્વાદ મળ્યા હતા. રજત જયંતી મહોત્સવ અંતર્ગત સાંસ્કૃતિક પ્રોગ્રામ જેવા કે નાટક, સંતવાણી તથા દાંડીયારાસ-ઘરબાનું રોજ રાત્રે આયોજન કરવામાં આવેલ.

આ મહોત્સવ દરમિયાન નવા સમયની સાથે તાલ મિલાવતા શ્રી બિદડા પાટીદાર સનાતન સમાજની વેબસાઈટ www.sbpssonline.org આપણા અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર સનાતન સમાજના ત્યારના પ્રમુખશ્રી રામજી કરમશી નાકરાણીના વરદ હસ્તે ખુલ્લી મુકવામાં આવેલ. 

ભગવાન શ્રી લક્ષ્મીનારાયણ અને માં ભગવતી ઉમિયામાંની કૃપા તથા આપણા વડીલોના આશીર્વાદથી આજે આપણો સમાજ ઘણો સુખી અને સમૃદ્ધ છે. આજે બિદડા સમાજના બિદડા તથા બહાર વસતા કુટુંબોની સંખ્યા ૩૪૭ જેટલી છે જયારે જનસંખ્યા ૨૨૦૦ જેટલી છે. 

 

ઇતિહાસના માર્ગદર્શક:

૧  શ્રી મેઘજી લાલજી લીંબાણી

૨  શ્રી કાનજી શિવદાસ સેંઘાણી

૩  શ્રી નાનજી વિશ્રામ સેંઘાણી

૪  શ્રી ખીમજી ભાંજી સેંઘાણી

૫  શ્રી મણીલાલ કાનજી સેંઘાણી

 સંકલનકર્તા:

૧  ઈશ્વરભાઈ છગનલાલ દડગા

૨  પ્રફુલભાઈ ડાહ્યાલાલ દડગા