







સમય નિરંતર વહેતો જ રહે છે. અને સમય સાથે પરિવર્તન સદા નિયતી બની રહી છે. જેમ નદીનું પાણી ઉંચા પર્વતોમાંથી વહી અનેક પથરાળ રસ્તાઓ પાર કરી નવી કેડી કંડારી સમુદ્રને મળે છે, ત્યારે પણ પોતાનું અસ્તિત્વ ટકાવી રાખે છે. તેવીજ રીતે આપણે આજે વિરાટ સમુદ્રરૂપી વિશ્વમાં આપનું ખુમારીભર્યું અસ્તિત્વ ટકાવી રાખ્યું છે. આપણા વડીલોની અત્યંત કપરી પરીસ્થીતીમાં કંડારેલી કેડી પર ચાલી આપણો શ્રી બિદડા પાટીદાર સનાતન સમાજ ચોમેર પોતાની ખ્યાતીરૂપી સુવાસ ફેલાવી રહ્યો છે. તેની પાછળ આપણા વડીલોના ખંત અને ખુમારી સાથે આશીર્વાદ છુપાયેલા છે. આવા નામી અનામી વડીલોને અમારા વંદન...
સમાજ એ વ્યક્તિઓ વડે રચાયેલી એક વ્યવસ્થા છે. જેના વડે માનવ સમૂહ કે જ્ઞાતિના લોકો સંગઠિત કરવાનું તેમજ તેમના રીત-રીવાજ, પરંપરાઓ જાળવવાનું, તેમનો વિકાસ કરવાનું કાર્ય દરેક સામાજિક સંગઠન કરતું હોય છે. તેવીજ રીતે શ્રી બિદડા પાટીદાર સનાતન સમાજની રચના થઇ ત્યારથી સતત સમાજના વિકાસની ચિંતા સેવાતી રહી છે. આજે સમાજે શૂન્યમાંથી સર્જન કરી સમાજની માલિકીની જમીન, સમાજવાડી, ભગવાન શ્રી લક્ષ્મીનારાયણનું મંદિર, ભોજન બનાવવા માટેનું રસોડું, ભોજનાલય અને અતિથીગૃહનું નિર્માણ કરી તેનું સંચાલન કરવામાં આવે છે. આમની પાછળ સમાજના સ્થાપક પ્રમુખથી લઈને વર્તમાન પ્રમુખ સાથેની કારોબારીએ દિવસ રાત સમાજની ઉન્નતિનું ચિંતન કરેલ છે.
શ્રી બિદડા પાટીદાર સનાતન સમાજના વિસ્તૃતિકરણ સાથે સુચારુ વ્યવસ્થા જળવાઈ રહે એવા આશયથી શ્રી બિદડા પાટીદાર સનાતન સમાજ યુવક મંડળ, શ્રી બિદડા પાટીદાર સનાતન સમાજ મહિલા મંડળ, શ્રી બિદડા પાટીદાર સનાતન સમાજ શિક્ષણ અને આરોગ્ય સમિતિની રચના કરવામાં આવેલ છે.
શ્રી બિદડા પાટીદાર સનાતન સમાજ દ્વારા દર વર્ષે રામનવમીના પવિત્ર દિવસે ભગવાન શ્રી લક્ષ્મીનારાયણ મંદિરનો પાટોત્સવ ધામધૂમપૂર્વક ઉજવવામાં આવે છે. આપણી પાટીદારોની આગવી ઓળખ સમાન સાતમ આઠમ વખતે સમાજની પરંપરા મુજબ સમાજના દરેક સભ્યને પ્રસાદ આપીને જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવે છે. સાથે અ. ભા. ક. ક. પા. સમાજ, ઉમિયા માતાજી સંસ્થાન, શ્રી લક્ષ્મીનારાયણ કેન્દ્રસ્થાનના આદેસનુંસાર સંતસભા કે અન્ય કાર્યક્રમો કરવામાં આવે છે. યુવક મંડળ દ્વારા માતાજીની આરાધનાનું પર્વ નવરાત્રીનું દર વર્ષે ભવ્યાતિભવ્ય આયોજન કરવામાં આવે છે. જયારે હવનાષ્ટમીના માતાજીનું હવન કરી સહુ સમુહમાં માતાજીનો પ્રસાદ ગ્રહણ કરે છે. બપોર પછી સમાજના બાળકોને પ્રોત્સાહિત કરવાના આશય સાથે સરસ્વતી સન્માનનું આયોજન કરવામાં આવે છે. જન્માષ્ટમીના કૃષ્ણ જન્મોત્સવ અને રવાડી સાથે રમતોત્સવનું આયોજન કરવામાં આવે છે. યુવાનો માટે પ્રવાસનું પણ આયોજન કરવામાં આવે છે. ઉપરાંત યુવાસંઘ દ્વારા સૂચિત કાર્યક્રમો પણ કરવામાં આવે છે.
આ વેબસાઈટ તૈયાર કરવામાં જે કોઈએ પણ સહકાર આપેલ છે તેમનો અંતકરણપૂર્વક આભાર માનીએ છીએ. આ વેબસાઈટમાં કઈ પણ ક્ષતિ રહી ગઈ હોય તો હૃદયપૂર્વક ક્ષમા પ્રાર્થીએ છીએ.





